આ ધોડીઆ વળી શું છે?
સુરત જિલ્લાના મહુવા તાલુકાના નાનકડા અનાવલની બાજુમાં ગણતરીનાં ખોરડાંવાળા ગામ કોષમાં રહેતા ૪૭ વર્ષી આદિવાસી કુલીન પટેલ વ્યવસાયે તો ફોટોગ્રાફર છે, પણ એમની ઓળખ અલ્પ પ્રચલિત ધોડીઆ ભાષાના જતન માટેની છે. એ છેલ્લા દોઢ દાયકાથી ધોડીઆ શબ્દસંગ્રહ બનાવી રહ્યા છે. ૧૫૦૦થી વધુ શબ્દો સાથે એ તૈયાર છે અને એને પ્રકાશિત કરવાની મથામણ કરી રહ્યા છે.
કુલીનભાઈ ધોડીઆ ભાષામાં કવિતા લખે છે. ભાષાની સાથે ઘોડીઆ સંસ્કૃતિનાં ગીત-નૃત્ય- પરંપરા-ધાર્મિક આસ્થા, વગેરેનું એ દસ્તાવેજીકરણ કરતા રહે છે. ગયા ઉનાળુ વૅકેશનમાં એમણે એક નવો પ્રયોગ કર્યોઃ પોતાના ઘરે ધોડીઆ ભાષાના તાલીમવર્ગ શરૂ કર્યા. કોરોના આવ્યો ત્યાં સુધી એ નિયમિત ચાલ્યા. કોરોના કાળમાં આ વર્ગ ઑનલાઈન શરૂ થયા. લગભગ દર પંદર દિવસે કુલીન પટેલની સાથે કોઈ ગાયક કે શિક્ષક જોડાય અને ધોડીઆ ભાષાની વાત કરે. કોરોના જાય પછી ફરી નિયમિત રીતે વર્ગો શરૂ થઈ જશે. અલબત્ત, સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં રહેતા ધોડીઆ જ્ઞાતિના લોકો પોતાનાં બાળકો માટે ભાષાની પ્રાથમિક જાણકારી માટેના વર્ગો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
કુલીન પટેલ કહે છે: 'દેશ આઝાદ થયો ત્યારે જેટલી ભાષાઓ હતી એમાંથી ઘણી લુપ્ત થઈ અથવા લુપ્તતાને આરે આવીને ઊભી છે. એવી સ્થિતિ મારી ભાષાની ન થાય એ માટે આ વર્ગ શરૂ કર્યા છે. એ માટે અમે ધોડીઆ ભાષા-સંસ્કૃતિ સમિતિ, અનાવલ પણ બનાવી છે.
કુલીન પટેલના ધોડીઆ ભાષાના વર્ગમાં તાલીમ મેળવતા ભાષાપ્રેમીઓ.
એ ઉમેરે છે કે નવી સુશિક્ષિત પેઢી અમારી ભાષા ભૂલી રહી છે એની અમારા વડીલોને ચિંતા થયા કરે છે. થોડા સમય પહેલાં અમે સોશિયલ મિડિયામાં આ વિશે લખ્યું, જેને સારો પ્રતિસાદ મળ્યો. અનેક લોકો વર્ગમાં આવવા લાગ્યા. આ પ્રયોગ નવો એટલા માટે હતો, કેમ કે પરંપરાગત ભાષા શીખવવા માટે કોઈ અભ્યાસક્રમ ન હોવા છતાં એ શીખવવાની શરૂઆત કરી.
આદિવાસીઓની ભાષાની પોતીકી લિપિ નથી. એ કાં તો ગુજરાતીમાં અથવા તો દેવનાગરીમાં લખાય છે. આદિવાસી દિનની ઉજવણીએ એમની સંસ્કૃતિને, સમાજને બચાવવાની અનેક વાત થાય છે, પણ એ બધામાં ભાષાને બચાવવાની વાત ભાગ્યે જ થાય છે. ડૉ. ભગવાન પટેલ, ડૉ. ગણેશ દેવી, ડાહ્યાભાઈ વાટ્ટુ, પ્રાધ્યાપક વિક્રમ ચૌધરી, અશોક ચૌધરી કે કુલીન પટેલ જેવાં ભાષાપ્રેમીઓ છે, જેમણે ગુજરાતના આદિવાસીઓની ભાષાને સાચવી લેવાની દરકાર રાખી છે અને એના માટે કામ કર્યું છે.
લેખ : કુલીનભાઈ (ધોડિયા પટેલ) ગુજરાત ડાયરી
0 Comments