ધોડિયા સમાજમાં પિતૃઓનું તર્પણ કરવાનું હોય ત્યારે છાક પાડવાની પ્રથા.
દક્ષિણ ગુજરાતમાં વસતો આદિવાસી સમાજ પોતાની આગવી સંસ્કૃતિ અને રીત-રિવાજો માટે જાણીતો છે. ત્યારે ધોડિયા આદિવાસીઓમાં એક અનોખી વિધી જોવા મળે છે. ધોડિયા સમાજમાં પિતૃઓનું તર્પણ કરવાનું હોય ત્યારે છાક પાડવાની વિધિ કરાય છે. પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય તો અંતિમક્રિયા પતાવ્યા બાદ ઘરે આવીને છાક પાડવામાં આવે છે.
છાકવિધીમાં મૃતક વ્યક્તિના કફનના ટુકડા વડે બાંધેલા હાથા વગરની કુહાડીની સાથે અસ્થિ બાંધેલા હોય છે. જે નદીએ તર્પણ પછી વિસર્જિત કરી દેવાય પણ ત્યારબાદ તેની જોડે પૈસો બાંધી દેવાય. વિસ્તાર મુજબ આમાં ફેરફાર દેખાય છે. ચૂલા આગળ છાણથી લીપીને ત્યાં ખાખરાનું પાન મુકીને તેની પર આડો દાભડો મૂકી ઉપર કુહાડી (અગ્નિસંસ્કાર વખતે લાકડા કાપવા ઉપયોગમાં લેવાયેલ)નો હાથો કાડી નાખવામાં આવે અને તે હાથા વગરની કુહાડી કે દાંતરડું મુકી જમણાં હાથની એક આંગળીમાં દાભડાની વીંટી ગાંઠ મારીને પહેરીને છાક પાડવાની વિધી થાય છે. છાક પાડવાની વિધી બાદ (મરણના પ્રથમ દિવસ સિવાય) ચૂલાની સામે કુહાડીમાં બાંધી રાખેલ બંધ છોડી પૈસા કાઢી કુહાડી પર મુકીને તેના ઉપર છાક પાડવામાં આવે છે. છાક જમણા હાથની આંગળીમાં ફરજીયાત દાભડાની વીંટી પહેરીને પ્રથમ ઘરનો વ્યક્તિ પાડે છે. ત્યારબાદ કુટુંબીજનો પણ છાક પાડે છે. છાક સંધ્યા કાળે પાડવામાં આવે છે. બારમાના દિવસે ઘરની બહાર છાક પાડવામાં આવે છે. મરણ થયાના દિવસથી પાંચમા, સાતમા કે નવમા દિવસે સુતક કાઢવામાં આવે છે. એ દિવસે છાક પાડવામાં આવતી નથી. આજકાલ બ્રાહ્મણ વિધિઓ થવાના કારણે આદિવાસીઓ દ્વારા મૃતકના પાળિયા કે ખાંભી જેને સ્થાનિક ભાષામાં ખતરું કહે છે એ મહદઅંશે ઓછું થઈ ગયું છે. પરંતુ જ્યારે ખતરું બેસાડવાની પરંપરા હતી ત્યારે ખતરું સ્થાપન કરતું અને સાથે વિધિઓ થતી તે દરમિયાન જો મૃતક ખાતો-પીતો હોય તો સ્થાપનના દિવસે દારૃ, તાડી લાવી ખતરાંને છાક પાડી પાન કરાવવામાં આવતું. ત્યારબાદ બનાવેલ રસોઈનું નૈવેદ્ય ધરાવી બધા પંગતમાં ભોજન કરતા. આ ઉપરાંત મૃતકના ઉજવણા દરમિયાન પણ છાક પડવાની વિધિ કરાય છે. છાક પાડવામાં આવે ત્યારે પૂર્વજો અને જેના ઉજવણા કરવાના હોય તે વ્યક્તિના નામ બોલવામાં આવે છે. છાક પાડતી વખતે ધોડિયા બોલીમાં બોલવામાં આવે છે. જેમાં સૌ પ્રથમ ધોડિયા સમુદાયના આદ્ય વડીલો ધનાખાત્રી અને રૃપાખાત્રીને ઉદ્દેશીને ધોડિયા લોકબોલીમાં ભગત કેટલીક ઉક્તિઓ બોલી ચાના ટીપાં જમીન ઉપર પાડે છે, જેને છાક પાડી એમ કહેવાય છે.
0 Comments