Hot Posts

6/recent/ticker-posts

આદિવાસીઓની ‘ધોડીઆ’ ભાષાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનારા ગામના લેખક-કવિ કુલીન પટેલ




 આદિવાસીઓની ‘ધોડીઆ’ ભાષાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનારા ગામના લેખક-કવિ કુલીન પટેલ

નાનકડા કોસ ગામની વસતી ચારેક હજાર જેટલી છે. આ ગામના એક સામાન્ય માણસ કે જે કૃષિ અને તસવીર કલા સાથે સંકળાયેલા છે, તેઓ પોતાની જન્મભાષા એવી ધોડીઆ ભાષા અંગે કામ કરતાં કરતાં ‘ધોડીઆ ભાષા શિક્ષક’ તરીકે ખ્યાતિ પામ્યા છે. આ વ્યક્તિ છે કુલીન પટેલ. કોસ ગામે વસતા લોકોમાં લગભગ એંસી ટકા લોકો ધોડીઆ સમાજના છે. એમની પરંપરાગત ભાષા પણ ‘ધોડીઆ ભાષા’ તરીકે ઓળખાય છે. ગુજરાતભરમાં લગભગ આઠ લાખ જેટલી વસતિ ધોડીઆ આદિવાસીઓની હશે. મહારાષ્ટ્ર રાજ્યમાં પણ ધોડીઆ આદિવાસી સમુદાયના લોકો વસે છે. આદિવાસી સમુદાયમાં પેઢી દર પેઢીથી વ્યવહારમાં છે એવી ધોડીઆ ભાષા આધુનિક સમયમાં ક્યાંક લુપ્ત ન થઈ જાય એ માટે કુલીન પટેલે પ્રયાસ હાથ ધરી પોતીકી ભાષાને હજુયે આગલી પેઢીઓ સુધી ટકાવી રાખવા કમર કસી છે. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલ ખાતેના કાર્યક્રમોમાં ધોડીઆ ભાષાના લોક સાહિત્ય તેમજ સ્વરચિત કવિતા પાઠ કરવા ઉપરાંત કેન્દ્રીય સાહિત્ય અકાદેમી, નવી દિલ્હી‌ ખાતે ધોડીઆ ભાષાના કવિ તરીકે પોતાની રચનાઓ પ્રસ્તુત કરીને ધોડીઆ ભાષાને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જ‌ઈ ભારતભરમાં પોતીકી ભાષાની ઓળખ પ્રસ્થાપિત કરી છે. ઉપરાંત એમણે આદિવાસી સમુદાય અંગે ઘણું સંશોધન કરી વિવિધ અખબારો તેમજ સામયિકોમાં સંખ્યાબંધ લેખો પણ લખ્યા છે. આકાશવાણીના વડોદરા કેન્દ્ર પરથી પણ એમના વાર્તાલાપ પ્રસારિત થાય છે. એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જે ધોડીઆ લોકો નોકરી-વ્યવસાયના કારણે શહેરી વિસ્તારમાં ઉછર્યા છે તેઓ પોતાની ભાષાથી અજાણ રહી જવા પામ્યા છે, એમના માટે કુલીન પટેલે ધોડીઆ ભાષાના અભ્યાસ વર્ગ સંચાલિત કરીને ધોડીઆ ભાષાના શિક્ષક તરીકેની પણ કામગીરી કરે છે. કોરોના કાળમાં પણ તેઓએ ઑનલાઇન ધોડીઆ ભાષા સભાઓ કરી ભાષાની સેવા કરી હતી.

લેખ સૌજ્ન્ય : ગુજરાતમિત્ર  વધુ માહિતી માટે : અહીં ક્લીક કરો.

Post a Comment

0 Comments